VIP Quota in Hajj Yatra: મોદી સરકારે હજ યાત્રાને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા હજ યાત્રામાં VIP કલ્ચરનો અંત આણવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હવે હજ યાત્રામાં વીઆઈપી કલ્ચરને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે. હજ યાત્રા માટે VIP ક્વોટાની અનામત બેઠકો નાબૂદ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લઘુમતી મંત્રી તેમજ હજ કમિટીને ફાળવવામાં આવેલી લગભગ તમામ VIP ક્વોટા બેઠકો નાબૂદ કરવામાં આવી છે.
મોદી સરકારના આ નિર્ણય બાદ હજ યાત્રા દરમિયાન કોઈ જ વીઆઈપી નહીં રહે. તમામ હજ યાત્રીઓ એક સામાન્ય હજયાત્રીઓની જેમ હજમાં ભાગ લેશે. કોઈ માટે કોઈ ખાસ વ્યવસ્થા કે અનામત રાખવામાં આવશે નહીં.
યાત્રા પર નહીં લાગુ પડે કોઈ કોવિડ પ્રતિબંધો
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે હજ યાત્રાએ જનારા યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કોરોનાને કારણે મુસાફરીને લઈને ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખી સાઉદી અરેબિયાએ વિશ્વભરના દેશો માટે મુસાફરોનો ક્વોટા પણ ઘટાડી દીધો હતો. જો કે, આ વર્ષે એટલે કે 2023માં કોઈપણ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકાશે. જેના કારણે હજયાત્રીઓની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે. આ વર્ષે 70 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓ પણ હજ પર જઈ શકશે.
આ દરમિયાન ભારતમાંથી હજ યાત્રા પર જનારા લોકો માટે સાઉદી અરેબિયાથી પણ એક સારા સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાએ ભારતમાંથી મુસાફરોનો ક્વોટા 1.75 લાખથી વધારીને બે લાખ કરી દીધો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તેની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ ભારતના તમામ રાજ્યોમાંથી અરજી કરનારા મોટાભાગના લોકોને યાત્રા પર જવાનો મોકો મળશે. અગાઉ હજારો લોકોનું રિઝર્વેશન પેંડિંગ હતું, જેને હવે મંજૂરી આપવામાં આવી રહી છે. ભારતમાં ઉત્તર પ્રદેશમાંથી હજ યાત્રા માટે સૌથી વધુ સંખ્યામાં હજયાત્રીઓ અરજી કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રાજ્યમાંથી 30 હજારથી વધુ લોકો યાત્રા પર જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ VIP ક્વોટા વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો. જેના માટે 5000 બેઠકો નક્કી કરવામાં આવી હતી. જો કે હવે તે રદ કરવામાં આવી છે. જેથી આ બેઠકો હવે સામાન્ય લોકોને ફાળવવામાં આવી શકે છે. સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રા કોરોના વાયરસ રોગચાળા અંગેની ચિંતાઓને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.
જાહેર છે કે, ઇસ્લામમાં તમામ સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનમાં એકવાર હજ કરવી જરૂરી છે. વિશ્વના ઘણા દેશોમાંથી લાખો લોકો વાર્ષિક હજના અવસર પર ઇસ્લામના પવિત્ર શહેર મક્કામાં એકઠા થાય છે અને તે લોકોના સૌથી મોટા મેળાવડામાંનું એક માનવામાં આવે છે.