નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શન લોકો માટે આશાનું કિરણ છે. લોકો રસી લીધા બાદ પણ સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ઘટ છે.જેને લઈને હવે કેંદ્ર સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેંદ્ર સરાકારે રેમડેસિવિર ઈન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ મૂકી દિધો છે. કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી નિકાસ પર પ્રતિબંધ રાખવાની વાત કરી છે.


આ ઈન્જેક્શન બનાવતી તમામ કંપનીઓને તેમની વેબસાઈટ પર પોતાના સ્ટોકિસ્ટ અને ડિસ્ટ્રીબ્યુટર્સના નામ પણ ડિસ્પ્લે કરવાની સલાહ આપવામાં આવી છે.ડ્રગ્સ ઈન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓને સ્ટોકની ખરાઈ કરવા તથા બ્લેક માર્કેટિંગ અટકાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ કંપની સાથે સંપર્કમાં છે, જેથી રેમડેસિવિરનું ઉત્પાદન વધારી શકાય.​​​​​​​



ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. સુરત ભાજપ દ્વારા પાર્ટીની ઓફિસેથી શનિવારે લોકોને ઈંજેક્શન આપવામાં આવ્યા હતા.  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે 5 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તમામ દર્દીઓને વિનામૂલ્યે ઇન્જેક્શન આપવામાં આવશે.


રેમડેસિવીરની કાળાબજારીની આશંકા


રેમડેસિવીર ઇન્જેક્શનની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અછત જોવા મળી રહી છે. આ વચ્ચે જ ડ્રંગ કંટ્રોલર ઓફ ઈંડિયાએ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી થવાની આશંકા વ્યક્ત કરી છે. કાળાબજારીની આશંકાએ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને સાવચેત રહેવા સૂચના આપી છે. DCGIએ ત્રણ રાજ્યના ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.


ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે. આટલુ જ નહીં યોગ્ય ટીમો સાથે મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મહરાષ્ટ્રના મુંબઈ અને પુણાના તો મધ્યપ્રદેશના ગ્વાલિયર, ભોપાલ અને ઈંદોરના ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે.