નવી દિલ્હી: મોદી સરકારે બુધવારે જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેની જાણકારી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આપી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી જમ્મુ કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત પર છે. જ્યા તેઓ અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટ્યાના પાંચ મહિના બાદ કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત પર છે. વિકાસ પરિયોજનાઓની જાણકારી લેવા માટે કેન્દ્રીય મંત્રી જમ્મુ કાશ્મીરની સતત મુલાકાત કરી રહ્યાં છે. હાલમાં જ પીયુષ ગોયલ અને સ્મૃતિ ઈરાની સહિત કેટલાક મંત્રીઓએ ત્યાં મુલાકાત લીધી અને વિકાસ માટે જાણકારી મેળવી હતી.

આર્ટિકલ 370 હટાવ્યા બાદ સકારાત્મક પ્રભાવ અંગે જાગૃકતા ફૈલાવવા અને પ્રદેશમાં સરકારે ઉઠાવેલા વિકાસના કામો વિશે લોકોને જાણકારી આપવા માટે કેન્દ્રીય મંત્રીઓનું એક સમૂહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે.

કેન્દ્ર સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370ને હટાવી દીધો હતો. તેની સાથે જ આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું.