નવી દિલ્હી: દીવાળી પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્રની મોદી સરકારે મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોઘવારી ભથ્થું (DA) 5 ટકા વધારવાની મંજૂરી આપી દીધી છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ વધારો આ વર્ષની પહેલી જુલાઈથી લાગુ પડશે.


સરકારી કર્મચારીઓને હાલમાં 12 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે વધારીને 17 ટકા કરી દેવાયું છે. મોંઘવારી ભથ્થામાં 5 ટકા વધારાનો ફાયદો 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શરોને મળશે. આ નિર્ણયથી સરકારી તીજોરી પર 16 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 9 ટકાથી વધારીને 12 ટકા કર્યું હતું.

આ સિવાય આશા વર્કરોનું ભથ્થું 1000 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કરવાની પણ મંજૂરી આપી દીધી છે. કેબિનેટના નિર્ણયમાં ખેડૂતોને પણ મોટી રાહત મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં આધારનું જોડાણ કરી શકે છે. પહેલા આ તારીખ 1 ઓગસ્ટ 2019 સુધી હતી.

જાવડેકરે જણાવ્યું કે આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધી 31 લાખથી વધુ લોકોને ફાયદો થયો છે. જ્યારે 3.5 લાખથી વધુ પરિવારોના કાર્ડ બન્યા છે.