નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. બિહારના જહાનાબાદમાં ત્રીજા દિવસે હંગામો થયો હતો. ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી છે. તાજેતરની માહિતી અનુસાર, લોકોએ બસોને પણ સળગાવી દીધી છે. બિહારમાં આ યોજનાના વિરોધમાં આજે બંધની જાહેરાત કરવામાં આવી છે.






ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરીઓ તેમજ મહાગઠબંધનના પક્ષોએ વિદ્યાર્થી સંગઠનોને સમર્થન આપ્યું છે.






ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે  CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10 ટકા અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.