નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને મંજૂરી આપી દીધી છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કેબિનેટે આ મામલામાં નિર્ણય લીધો છે. જે  હેઠળ કલમ 81 હેઠળ તમામ દાખલ કેસ પાછા ખેંચવામાં આવશે જે લોકો પર કલમ 81 હેઠળ કેસ દાખલ છે તેઓને મોટી રાહત મળી છે. સાથે દિલ્હીમાં 79 ગામનું શહેરીકરણ કરવામાં આવશે.


દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી અગાઉ મોદી સરકારે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવામાં આવશે. દિલ્હી સરકારના મતે દિલ્હીમાં કુલ 1797 ગેરકાયદેસર કોલોનીઓ છે. આ તમામ કોલોનીઓમાં રહેનારા લોકોને કેન્દ્ર સરકાર આ પગલાનો લાભ મળશે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ આ ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસરતા મળશે.

કેન્દ્રની અંતિમ મંજૂરી મળ્યા બાદ ગેરકાયદેસર કોલોનીઓમાં રહેનારા લોકોને પોતાના ઘરનું રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી મળશે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં  બિનકાયદેસર કોલોનીઓના રહેવાસીઓ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં લગભગ 1800 ગેરકાયદેસર કોલોનીઓને પાંચ વર્ષના પ્રયાસો બાદ તાજેતરમાં જ નિયમિત કરવાની જાહેરાત કરી હતી.