BBC Documentary Row: ગુજરાત રમખાણો પર બનાવવામાં આવેલી બીબીસી ડોક્યુમેન્ટરીના પ્રથમ એપિસોડને શેર કરતા અનેક યુટ્યુબ વિડીયો બ્લોક કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શનિવારે (21 જાન્યુઆરી) જાહેર નોટિફિકેશન અનુસાર, આ ડોક્યુમેન્ટરીના એપિસોડને શેર કરતા યુટ્યુબ વીડિયોને બ્લોક કરવામાં આવ્યા હતા. આ સાથે કેન્દ્રએ ટ્વિટરને સંબંધિત યુટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો પણ નિર્દેશ આપ્યા છે.






શુક્રવારે માહિતી અને પ્રસારણ સચિવે IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને નિર્દેશો જાહેર કર્યા પછી YouTube અને Twitter બંનેએ સરકારના આદેશનું પાલન કર્યું હતું. નોંધનીય છે કે  બીબીસીએ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામના બે ભાગમાં એક નવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આ સીરિઝ ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.


ડોક્યુમેન્ટરી અંગે સરકારે નારાજગી વ્યક્ત કરી હતી  


સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી સીરિઝ BBC દ્વારા ભારતમાં રીલિઝ કરવામાં આવી નથી., પરંતુ કેટલીક યુટ્યુબ ચેનલોએ ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેને અપલોડ કરી છે. આ પહેલા ગુરુવારે ભારતે બીબીસીની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીની નિંદા કરી હતી. સરકારે ડોક્યુમેન્ટરી પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને પસંદગીના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી.


સૂત્રોએ જણાવ્યું કે યુટ્યુબને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો તેના પ્લેટફોર્મ પર ફરીથી વીડિયો અપલોડ થશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ટ્વિટરને અન્ય પ્લેટફોર્મ પર વીડિયોની લિંક ધરાવતી ટ્વીટ્સને ઓળખવા અને બ્લોક કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


ભારતે શું કહ્યું?


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટરી સીરિઝ વિવાદ વચ્ચે ભારતે ગુરુવારે તેને "દુષ્પ્રચારનો એક ભાગ" ગણાવી કહ્યું કે તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, નિષ્પક્ષતાનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે આ ખોટા નિવેદનને આગળ વધારવા માટેના પ્રચારનો એક ભાગ છે. બાગચીએ કહ્યું હતું કે તે આપણને આ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારવા મજબૂર કરે છે.