Para Military Forces:  કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને મોટી ભેટ આપી છે. હવે તેમને કેન્ટીનની વસ્તુઓ પર માત્ર 50 ટકા GST ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે અર્ધલશ્કરી દળના જવાનો કેન્ટીનમાંથી સસ્તો સામાન મેળવી શકશે. આનો સીધો ફાયદો અર્ધલશ્કરી દળના 11 લાખથી વધુ જવાનોને થશે. ગૃહ મંત્રાલયે CAPF કેન્ટીન એટલે કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર (KPKB) પર ઉપલબ્ધ ઉત્પાદનો પર 50 ટકા GST મુક્તિ આપી છે.


ગૃહ મંત્રાલયે આ નિર્ણય અંગે માહિતી આપી હતી


ગૃહ મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાંથી સામાનની ખરીદી પર 50 ટકા GST સહાયતા 1 એપ્રિલ, 2024 થી લાગુ થશે. આ સહાય બજેટના માધ્યમથી આપવામાં આવશે. કંન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સિસ માર્ટિયર્સ વેલફેર એસોસિયેશન લાંબા સમયથી આ માટે અવાજ ઉઠાવી રહ્યું હતું. એસોસિએશને ઘણા કેન્દ્રીય મંત્રીઓને મેમોરેન્ડમ પણ સુપરત કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO)ને પણ પત્રો મોકલવામાં આવ્યા હતા.


નાણામંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી હતી


એસોસિએશને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પાસે માંગ કરી હતી કે તેમણે વચગાળાના બજેટમાં CAPF કેન્ટીન ઉત્પાદનો પર 50 ટકા GST મુક્તિની જાહેરાત કરવી જોઈએ. કેન્ટીન પર GST લાદવાના કારણે લાખો અર્ધલશ્કરી પરિવારોનું બજેટ બગડી જાય છે. તેથી આર્મી કેન્ટીનની જેમ CAPF કેન્ટીન માટે GSTમાં મુક્તિની માંગ કરવામાં આવી રહી છે.                                       


GST પહેલા ઘણા રાજ્યોએ વેટમાં છૂટ આપી હતી


એસોસિએશનના અધ્યક્ષ એચઆર સિંહ અને જનરલ સેક્રેટરી રણબીર સિંહે જણાવ્યું હતું કે સેન્ટ્રલ પોલીસ કેન્ટીનની સ્થાપના વર્ષ 2006માં અર્ધલશ્કરી દળના જવાનોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. અગાઉ આર્મીની સીએસડી કેન્ટીનમાંથી સામાન ખરીદવામાં આવતો હતો. દેશભરમાં લગભગ 119 માસ્ટર કેન્ટીન અને 1778 CPC કેન્ટીન છે. CPC કેન્ટીનનું નામ બદલીને કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર કરવામાં આવ્યું છે. GSTના અમલ પહેલા ઘણા રાજ્યોએ કેન્ટીનમાં ઉપલબ્ધ વસ્તુઓ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માંથી મુક્તિ આપી હતી. પરંતુ GST લાગુ થયા બાદ કોઈ રાહત મળી નથી.