India Corona Cases: ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે.


રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત જીનોમ સિક્વેસિંગ માટે પોઝિટિવ નમૂના INSACOG લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.






ભારતમાં સબ-વેરિયન્ટ JN.1 ક્યાં મળ્યો છે


અહેવાલો અનુસાર, કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક ભારતીય મુસાફર પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી હતો. આ વ્યક્તિ ઓક્ટોબરમાં સિંગાપોર ગયો હતો.


દેશમાં આજે કેટલા કોરોના કેસ નોંધાયા


સોમવારે (18 ડિસેમ્બર)ના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


દેશમાં કોવિડ કેસની સંખ્યા 4.50 કરોડ (4,50,05,076) છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,69,931 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સાજા થવાનો દર 98.81 ટકા છે. કોરોનામાં મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રી બેઠક કરશે


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી, COVID-19 કેસમાં વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20મી ડિસેમ્બરે આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય/મુખ્ય સચિવો (આરોગ્ય) અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે.