કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકારે ચેતવણી આપી છે અને આગામી 125 દિવસ સૌથી વધુ મહત્વપૂર્ણ હોવાની વાત કરી છે. કોરોનાની મહામારી ફરીથી માથુ ઉચકશે તેવી ચિંતા વચ્ચે હવે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપતા જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસમાં હાલમાં દરરોજ ધીમી ગતીથી ઓછા થવા તે એક ચેતવણી છે. જો કે હાલ તો સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. પરંતુ જો કોવિડના નિયમોનું પાલન નહી કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે છે.
સાથે જ ચેતવણી આપતા આગામી 100 125 દિવસ સિસ્ટમ અને જનતા બંન્ને માટે મહત્વપૂર્ણ હોવાની પણ વાત કરી. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલે જણાવ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો ઓછો થઈ રહ્યો છે તે એક ચેતવણીનું સિગ્નલ છે. આપણે વધુ સાવધાન અને સચેત રહેવુ પડશે અને જો આપણે યોગ્ય રીતે કોરોનાના નિયમોનું પાલન કરીશું તો ત્રીજી લહેર નહીં આવે.
12 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના 47 જિલ્લામાં કોરોના વાયરસના હજુ પણ 10 ટકાથી વધુ એક્ટિવ કેસ છે. જેમાં મણીપુર, કેરળ, રાજસ્થાન, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેંડ, સિક્કિમ, ત્રિપુરા, અસમ, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરી સામેલ છે. સાથે જ દેશના 73 જિલ્લામાં દરરોજ 100થી વધુ નવા કેસ આવી રહ્યાં છે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, WHO એ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે, પરંતુ ત્રીજી લહેર કરતા વધારે, આપણે એ સમજવું પડશે કે તે કેટલી અસરકારક રહેશે. સમય જતાં, જો લોકોમાં એન્ટિબોડી ઓછી થાય છે અને વાયરસમાં મ્યુટેશન આવે છે, તો વધુ કેસો બહાર આવશે.
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ ત્રીજી લહેરનું કારણ બની શકે.