નવી દિલ્હીઃ દેશભરમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં હાલ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આજે ચૈત્ર સુદ એકમથી ભારતીય નવું વર્ષ પણ શરૂ થયું છે. આ વખતે ચૈત્રિ નવરાત્રિ 2 એપ્રિલ, રામનવમી સુધી ચાલશે.

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નવરાત્રિના પહેલા દિવસે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ પણ 9 દિવસ સુધી વ્રત રાખશે અને જે લોકો કોરોના સામેની લડાઈમાં સામેલ થયા છે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુરક્ષા અને સિદ્ધીને આ નવરાત્રિ સમર્પિત કરશે.

પીએમે ટ્વિટ કરીને કહ્યું, આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. વર્ષોથી હું મા ની આરાધના કરતો આવ્યો છું.  વખતની સાધના હું માનવતાની ઉપાસના કરનારા તમામ ડોકટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને મીડિયાકર્મી- જેઓ કોરોના સામેની લડાઈમાં સંકળાયેલા છે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુરક્ષા અને સિદ્ધીને સમર્પિત કરું છું.

ગઈકાલે રાતે પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરીને 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 536 પર પહોંચી ગઈ છે, જ્યારે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.