Chandigarh University MMS Case: પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીના MMS કેસમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. શિમલા જિલ્લા પોલીસે 23 વર્ષીય યુવકની અટકાયત કરી છે. હિમાચલ પ્રદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી શકે છે. હિમાચલ પ્રદેશના ડીજીપી સંજય કુંડૂએ ટ્વીટ કર્યું કે અમે ચંદીગઢ યુનિવર્સિટીના કથિત વીડિયો લીક કેસમાં આરોપીને પકડી લીધો છે. હિમાચલ પ્રદેશ પોલીસે પંજાબ પોલીસના અનુરોધ પર સંવેદનશીલતા અને વ્યાવસાયિકતા સાથે આ કાર્યવાહી કરી છે.


ખરાર ડીએસપી રૂપિન્દરદીપ કૌરે જણાવ્યું હતું કે આ કેસમાં ગઈકાલે રાત્રે એકની ધરપકડ કરવામાં આવી હતી અને લીડના આધારે વધુ ધરપકડ કરવામાં આવી છે. અમે પછીથી વધુ વિગતો શેર કરીશું.  હોસ્ટેલની એક વિદ્યાર્થીએ અન્ય ઘણી વિદ્યાર્થિનીઓના 'વાંધાજનક' વીડિયો બનાવ્યો હોવાની અફવાને લઈ પંજાબના મોહાલી સ્થિત એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટા પાયે પ્રદર્શન કર્યું, ત્યારબાદ મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે તપાસના આદેશ આપ્યા હતા.


વિદ્યાર્થીની ધરપકડ


આ કેસની પ્રારંભિક તપાસ બાદ પોલીસે એક વિદ્યાર્થીનીની ધરપકડ કરી હતી, જ્યારે હવે હિમાચલ પ્રદેશમાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે, જેની તપાસ માટે એક ટીમ પણ મોકલવામાં આવી છે. પંજાબના અધિક પોલીસ મહાનિર્દેશક ગુરપ્રીત દેવ, જેઓ ગઈકાલે રાતના વિરોધ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ચંદીગઢ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચ્યા હતા, તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે એવું લાગે છે કે આરોપી વિદ્યાર્થીએ યુવક સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો છે. અન્ય કોઈ વિદ્યાર્થીનો કોઈ વાંધાજનક વીડિયો મળ્યો નથી.



યુનિવર્સિટીના અધિકારીઓએ શું કહ્યું?


યુનિવર્સિટીના અધિકારીઓએ પણ "ખોટા અને પાયાવિહોણા" અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘણી ગર્લ સ્ટુડન્ટ્સના વીડિયો બનાવવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને પછી ઘણી ગર્લ સ્ટુડન્ટ્સે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિવેક શીલ સોનીએ પત્રકારોને જણાવ્યું હતું કે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો લીક થયાની "અફવાઓ" ને પગલે મધ્યરાત્રિ પછી  યુનિવર્સિટીમાં વિરોધ થયો હતો. 


તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ વિદ્યાર્થીનો મોબાઈલ ફોન ફોરેન્સિક પરીક્ષણ માટે જપ્ત કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીનીના આત્મહત્યાના પ્રયાસનો કોઈ મામલો સામે આવ્યો નથી અને આ કેસમાં કોઈનું મોત થયું નથી. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 354C અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.


મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે


મુખ્યમંત્રી માને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી માને ટ્વીટ કર્યું કે, ચંદીગઢ યુનિવર્સિટીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. અમારી દીકરીઓ અમારું સન્માન છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


રાષ્ટ્રીય મહિલા આયોગે પત્ર લખ્યો હતો


રાષ્ટ્રીય મહિલા આયોગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ રેખા શર્માએ પંજાબ પોલીસના મહાનિર્દેશકને પત્ર લખીને આ મામલે તુરંત એફઆઈઆર નોંધવા અને કોઈપણ બેદરકારી વિના આ કેસમાં કડક રીતે વ્યવહાર કરવા જણાવ્યું છે. પંચે કહ્યું કે કેસની પીડિત છોકરીઓને યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. મહિલા અધિકાર સંસ્થાએ ચંદીગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કાયદા મુજબ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પત્ર પણ લખ્યો છે અને યુનિવર્સિટીને નિષ્પક્ષ રીતે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા જણાવ્યું છે.