નવી દિલ્હીઃ સીબીઆઇમાં ભ્રષ્ટાચાર વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લઇને તમામને ચોંકાવી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકારે સીબીઆઇની સીધી દખલગીરી પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે કોઈપણ કેસમાં તપાસ કરવા માટે રાજ્યમાં આવતા પહેલાં CBIના અધિકારીઓએ રાજ્યની મંજૂરી લેવી પડશે.
વાસ્તવમાં સરકારે દિલ્હી સ્પેશ્યલ પોલીસ ઇસ્ટૈબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ મળતી સહમતિને પાછી ખેંચી લીધી છે જે દિલ્હી સ્પેશ્યલ પોલીસ ઇશ્ટૈબ્લિશમેન્ટના સભ્યોને રાજ્યની અંદર પોતાની શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવામાં હવે સીબીઆઇએ આંધ્રપ્રદેશમાં કોઇ પણ કેસમાં સીધી રીતે દખલગીરી કરી શકશે નહીં. નોંધનીય છે કે નાયડૂએ છેલ્લા દિવસોમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેમની સામે વ્યક્તિગત બદલો લેવા માટે રાજ્યને સમાપ્ત કરવાનું કાવતરું રચી રહી છે.
નાયડૂએ છેલ્લા દિવસોમાં આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યના ધાર્મિક સ્થળો પર હુમલાઓ થઇ શકે છે. નાયડૂએ આરોપ લગાવ્યો હતો કે બિહાર અને અન્ય રાજ્યોના ગુંડાઓને કાયદો વ્યવસ્થા બગાડવા માટે આંધ્રપ્રદેશમાં લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર તરફથી તેમની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન નાયડૂએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીને સત્તામાં ફરીથી આવતી રોકવા માટે કોઇ પણ પ્રયાસને અમે સફળ થવા દઇશું નહીં. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર હિંદુઓની ભાવનાઓને ભડકાવીને તેઓને સરકાર વિરુદ્ધ કરી રહી છે.