નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના બોર્ડના સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘના વિચારક એસ ગુરુમૂર્તિએ ગુરુવારે કહ્યું હતું કે, જો નવેમ્બર 2016માં નોટબંધી કરવામાં ના આવી હોત તો અર્થવ્યવસ્થા તૂટી પડી હોત. તેમણે કહ્યુ કે, 500,1000 રૂપિયાની નોટ જેવી મોટા મૂલ્યની નોટનો ઉપયોગ રિયલ એસ્ટેટ અને સોનાની ખરીદીમાં કરવામાં આવતો હતો.
ગુરુમૂર્તિએ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં બોલતા કહ્યું કે, નોટબંધીના 18 મહિના અગાઉ 500 અને 1000 રૂપિયાની 4.8 કરોડ રૂપિયાની નોટ હતી. રિયલ એસ્ટેટ અને સોનાની ખરીદીમાં આ નોટનો ઉપયોગ થતો હતો. જો નોટબંધી કરવામાં આવી ના હોત તો આપણી સ્થિતિ પણ 2008ના સબ પ્રાઇમ ક્રેડિટ સંકટ જેવી થઇ હોત. ગુરુમૂર્તિએ કહ્યું કે, જો એમ ના કરવામાં આવ્યું હોત તો અર્થવ્યવસ્થા તૂટી પડી હોત. આ એક સુધારાત્મક ઉપાય હતો.
આગામી સપ્તાહે યોજાનારી આરબીઆઇ બોર્ડની મહત્વની બેઠક અગાઉ ગુરુમૂર્તિએ બેન્કના અનામત જથ્થાના નિયમોમાં ફેરફાર કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે, આરબીઆઇની પાસે 9.6 કરોડ રૂપિયાનો અનામત જથ્થો છે અને દુનિયાની કોઇ પણ કેન્દ્રિય બેન્ક પાસે આટલા પ્રમાણમાં અનામત જથ્થો નથી. થોડા મહિના અગાઉ જ આરબીઆઇ બોર્ડના ડિરેક્ટર તરીકે ગુરુમૂર્તિને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આરબીઆઇ અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ગુરુમૂર્તિએ કહ્યું કે, આ ગતિરોધ સારી બાબત નથી.