મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ ડેલિગેશનમાં ભાજપના ગિરિજ મહાજન, ચંદ્રકાન્ત પાટિલ, સુધીર મુનગંટીવાર અને આશીષ શેલાર સામેલ હતા. આ મુલાકાત બાદ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું અમે ગવર્નર સાથે મુલાકાત કરી કાનૂની વિકલ્પ અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી.


આ સાથે જ તેમણે કહ્યું, મહારાષ્ટ્રની જનતાએ ગઠબંધનને જનાદેશ આપ્યો છે. સરકાર બનવામાં મોડુ થઈ રહ્યું છે. આજે અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને કાનૂની વિકલ્પ અને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી.

આ સાથે જ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું જનતા ઈચ્છે છે કે રાજ્યમાં ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર બને. મહાયુતિને જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. બહુમત મળ્યો છે તેને લઈને સરકાર બની જવી જોઈતી હતી પરંતુ અત્યાર સુધી સરકાર નથી બની શકી. કઈ રીતે આગળનો રસ્તો નિકળી શકે છે, એ પણ ચર્ચા રાજ્યપાલ સાથે કરી. અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લઈશું.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે.