લંડન: પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ બ્રિટનનની કોર્ટને ધમકી આપતા કહ્યું કે મને ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ આપવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઈશ. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં 48 વર્ષના હીરાના વેપારી નીરવ મોદીની અરજી પર સુનાવણી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ નીરવ મોદીએ કોર્ટને જેલમાં ત્રણ વખત હુમલા થયા હોવાની પણ વાત કરી હતી.

ભારત સરકારનો પક્ષ રજૂ કરી રહેલા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસિસના વકીલ જેમ્સ લેવિસે કહ્યું હતું કે નીરવના નિવેદનથી તેની ભાગી જવાની ઈચ્છા પ્રગટ થાય છે. બ્રિટનની કોર્ટે કાલે નીરવ મોદીની નવી જામીન અરજી પણ ફગાવી હતી. જેનાથી નીરવ મોદીને મોટો ફટકો લાગ્યો છે.

નીરવ મોદી 19 માર્ચના ધરપકડ બાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈન્ડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલને આધારે પ્રત્યાર્પણ વોરન્ટ જારી થયા બાદ લંડન પોલીસે 19મી માર્ચના રોજ તેની ધરપકડ કરી હતી. હવે પછી તેને 4 ડિસેમ્બરના રોજ વીડિયોલિંક મારફતે હાજર કરવામાં આવશે. નીરવે વેસ્ટમિનસ્ટર કોર્ટમાં 30મી ઓક્ટોબરના રોજ ચોથી વખત જામીન માટે અરજી દાખલ કરી હતી. તેને બેચેની અને નિરાશા એટલે કે ડિપ્રેશનની સ્થિતિમાં હોવાની વાત કરી હતી.