ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે, લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા સામાન્ય હતી, પરંતુ બાદમાં લેન્ડરનો સંપર્ક પૃથ્વીના સ્ટેશનથી તૂટી ગયો. 2.1 કિલોમીટર સુધી બધુ સામાન્ય હતું. ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખો દેશ તમારી સાથે છે અને ગર્વ અનુભવી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશ આપણા વૈજ્ઞાનિકોની સાથે ઊભા છે. અમને આપણા અંતરિક્ષ કાર્યક્રમ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમની અથાગ મહેનત અને દૃઢ સંકલ્પે આપણા નાગરિકો ઉપરાંત અન્ય દેશ માટે પણ એક સારું જીવન સુનિશ્ચિત કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો. તેની સાથે જ વૈજ્ઞાનિકો સાથે સાથે દેશોના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ.
જો મિશન સફળ રહ્યું હોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોત. આ અગાઉ ચીન, અમેરિકા અને રશિયા ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પણ અહીં કોઈ ઊતર્યું નથી.
વિશેષજ્ઞોએ જણાવ્યું કે હજુ પણ મિશન અસફળ કહી શકાય નહીં. લેન્ડર સાથે ફરી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે લેન્ડર નિષ્ફ જશે તો પણ ચંદ્રયાન-2 નું ઑર્બિટર એકદમ સામાન્ય છે અને તે ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.