chandrayaan 3: ઈસરોએ ચંદ્રની નવી તસવીરો અને વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયો 19 ઓગસ્ટનો છે, જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 70 કિલોમીટર દૂર હતું. આ તસવીરો લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી છે. આ વીડિયોમાં ઘણા ખાડાઓ દેખાઈ રહ્યા છે. જેમને યોગ્ય નામો સાથે બતાવવામાં આવ્યા છે.
ઈસરોએ જણાવ્યું હતું કે મિશન તેના શિડ્યુલ અનુસાર ચાલી રહ્યું છે. તમામ સિસ્ટમનું ચેકિંગ સતત ચાલુ છે. હાલમાં વિક્રમ લેન્ડર ચંદ્રની આસપાસ આરામથી પરિભ્રમણ કરી રહ્યું છે. લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
LPDC વિક્રમ લેન્ડરના નીચેના ભાગમાં લગાવવામાં આવ્યો છે. જેથી વિક્રમ પોતાના માટે યોગ્ય અને સપાટ ઉતરાણ સ્થળ શોધી શકે. આ કેમેરાની મદદથી જોઈ શકાશે કે વિક્રમ લેન્ડર કોઈ ઉબડ-ખાબડ જગ્યા પર ઉતરી રહ્યું નથી અથવા ખાડામાં તો જઇ રહ્યુ નથી ને.
ટ્રાયલ માટે ફોટા લેવામાં આવી રહ્યા છે
આ કેમેરા લેન્ડિંગના થોડા સમય પહેલા ફરીથી ચાલુ કરી શકાય છે. કારણ કે હાલમાં જે તસવીર આવી છે તેને જોતા લાગે છે કે આ કેમેરા ટ્રાયલ માટે ચાલુ કરવામાં આવ્યો હતો. જેથી તસવીરો કે વીડિયો પરથી જાણી શકાય કે તે કેટલી સારી રીતે કામ કરી રહ્યો છે. આ સેન્સરનો ઉપયોગ ચંદ્રયાન-2માં પણ કરવામાં આવ્યો હતો. તે યોગ્ય કામ કરી રહ્યો હતો.
લેન્ડર પરના આ સાધનો LPDCને સપોર્ટ કરશે
LPDCનું કામ વિક્રમ માટે યોગ્ય લેન્ડિંગ સ્પોટ શોધવાનું છે. લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC), લેસર અલ્ટીમીટર (LASA), લેસર ડોપ્લર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) આ પેલોડ સાથે મળીને કામ કરશે. જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર લેન્ડ કરી શકાય.
લેન્ડિંગ સમયે આટલી ઓછી સ્પીડ હશે
જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેની ઝડપ 1 થી 2 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ હશે. પરંતુ આડી હોરિઝોન્ટલ સ્પીડ 0.5 મીટર પ્રતિ સેકન્ડ હશે. વિક્રમ લેન્ડર 12 ડિગ્રીના ઢાળ પર ઉતરી શકે છે. આ તમામ સાધનો વિક્રમ લેન્ડરને આ ગતિ, દિશા અને સપાટ જમીન શોધવામાં મદદ કરશે. આ તમામ સાધનો લેન્ડિંગના લગભગ 500 મીટર પહેલા એક્ટિવેટ થઈ જશે.