ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણમાં માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. આ મિશન પર માત્ર ભારતની જ નહીં આખી દુનિયાની નજર છે. ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક મિશન માટે ચંદ્રયાન-3ના સ્પેરપાર્ટ્સ મુંબઇના વિક્રોલી સ્થિત ગોદરેજ એરોસ્પેસ કંપની દ્ધારા બનાવવામાં આવ્યા છે. આ મિશનમાં ચંદ્રયાન-2ની ખામીઓ દૂર કરવામાં આવી છે. ગોદરેજ એરોસ્પેસ કંપનીએ મુંબઈમાં ચંદ્રયાન-3ના ત્રણ એન્જિનમાં લગાવવામાં આવેલા 80 સ્પેરપાર્ટ્સ બનાવ્યા છે. આ કામમાં લગભગ મહિના સુધી 200 એન્જિનિયરો અને કર્મચારીઓએ કામ કર્યું હતું. આ સ્પેરપાર્ટ્સ પર ચંદ્રયાન-3ને પૃથ્વીની સપાટીથી લગભગ 50 કિલોમીટરની ઉંચાઈથી ચંદ્ર પર લઈ જવાની જવાબદારી હશે. તેમાં એક એન્જિનનું નામ વિકાસ છે જે ચંદ્રયાનને લગભગ 50 કિમીની ઉંચાઈથી 500 કિમીની ઉંચાઈ પર લઈ જશે. આગળની મુસાફરી બાકીના બે એન્જિનથી થશે.






ચંદ્રયાન-3માં ગોદરેજ એરોસ્પેસનું પણ મહત્વનું યોગદાન છે. ચંદ્રયાન-3ને લઈ જનારા રોકેટના બીજા તબક્કા માટેના બે એન્જિન ગોદરેજ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યા છે. "ચંદ્રયાન 3 એ ખૂબ જ પ્રતિષ્ઠિત મિશન છે, ગોદરેજ એ બે એન્જિન માટે હાર્ડવેરનું યોગદાન આપ્યું છે, જે બીજા તબક્કાના એન્જિન છે," ગોદરેજ એરોસ્પેસના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ Maneck Behramkamdin એ  જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જો અમારી સમજ સાચી હોય તો લગભગ 80-90 ટકા મિશન (ચંદ્રયાન-3) સ્વદેશી છે. આ આપણા ISROના સ્થાપકો અને મહેનતુ વૈજ્ઞાનિકોને શ્રદ્ધાંજલિ છે.






છ ઇંચથી ચાર મીટરના પાર્ટ્સ છે


ચંદ્રયાન-3નું એન્જિન છ ઈંચથી લઈને 4 મીટર ઊંચાઈ સુધીના પાર્ટ્સથી તૈયાર થયું છે.  ચંદ્રયાનને તેજ ગતિએ ચંદ્ર પર લઈ જવા માટે તેમાં વિકાસ એન્જિન નામના બે એન્જિન અને એક CE-20 એન્જિન અને 20 થી 25 થ્રસ્ટર્સ એન્જિન લગાવવામાં આવ્યા છે. વિકાસ એન્જિનનો વ્યાસ લગભગ 1.9 મીટર છે અને ઊંચાઈ લગભગ 4 મીટર છે. CE-20 એન્જિનનો વ્યાસ લગભગ 1.7 મીટર, 3.5 મીટર ઊંચાઈ અને 300 કિલો વજન ધરાવે છે. થ્રસ્ટર્સ એન્જિનનો આકાર 6 ઇંચથી લઇને 24 ઇંચ સુધી છે. આ એન્જિનનું વજન 2 કિલોથી 24 કિલો છે. ગોદરેજ એરોસ્પેસ કંપનીના બિઝનેસ હેડ Maneck Behramkamdinના જણાવ્યા અનુસાર, ચંદ્રયાનમાં લગાવવામાં આવેલા એન્જિનના 80 ટકા પાર્ટ્સનું ઉત્પાદન મુંબઈમાં કરવામાં આવ્યું છે.