Chandrayaan 3 Launch: ભારતમાં ચંદ્રયાન-3 મિશનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે. આ સ્પેસશીપ યાન ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 ક્યારે લોંચ કરવામાં આવશે તેને લઈને તારીખ અને સમયની જાહેરાત કરી દેતા દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે.
આ અગાઉ ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 2 મહિના બાદ એટલે કે, 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. આ સાથે જ ચંદ્રયાનની 47 દિવસની સફળ યાત્રાનો અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તે સમયે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યારથી જ ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
ઈસરોએ હવે ચંદ્રયાન-3 મિશનને લઈ જાહેરાત કરી છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે 13 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરાશે. ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ થશે તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે.
શું છે ચંદ્રયાન-3?
ISRO ચંદ્રયાન મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ ભારત 2019માં ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં નિષ્ફળ રહ્યું હતું. હવે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ના ત્રણ ભાગ - પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. જેને ટેક્નિકલ ભાષામાં મોડ્યુલ કહેવામાં આવે છે.
ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઉતરશે
ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તેમાં ઘણા વધારાના સેન્સર ઉમેરવામાં આવ્યા છે. તેની ઝડપ માપવા માટે તેમાં 'લેઝર ડોપ્લર વેલોસિમીટર' સિસ્ટમ લગાવવામાં આવી છે.
તમામ ટેસ્ટિંગમાં થયું પાસ
CE-20 ક્રાયોજેનિક એન્જિન, જે ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને વેગ આપે છે, તે ઉડાન તાપમાન પરીક્ષણમાં પણ સફળ રહ્યું હતું. આ પહેલા, લેન્ડરનું પરીક્ષણ EMI/EMC પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.