Chandrayaan 3 Landing Update: 23 ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ISROએ એક નાનો વીડિયો ટ્વીટ કરીને લેન્ડર ઈમેજર કેમેરા 4માંથી લીધેલી તસવીરો જાહેર કરી છે.


વીડિયોમાં ચંદ્રની સપાટી ખૂબ જ ચમકદાર દેખાઈ રહી છે, જેમાં ઘણી જગ્યાએ ક્રેટર (ખાડા) પણ દેખાય છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે, જેના પર સમગ્ર વિશ્વની નજરો કેન્દ્રિત છે કારણ કે આ પહેલા 20 ઓગસ્ટ, રવિવારના રોજ રશિયન ચંદ્ર મિશન લુના-25 અકસ્માતને કારણે નિષ્ફળ ગયું હતું.






લેન્ડર ઈમેજર કેમેરા 4માંથી ચંદ્રનો વિડિયો


ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું છે કે હાલમાં બધુ બરાબર ચાલી રહ્યું છે. તેમણે નિર્ધારિત સમય પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


 






ભારતના ચંદ્ર પરના ત્રીજા મિશન વિશે નવીનતમ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે ' મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે. ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે. ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરનું અંતર કાપ્યું છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC)ની ઊંચાઈ પરથી ચંદ્રની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે.