Chandrayaan 3 Finding: ગઇ 23 ઓગસ્ટે ભારતીય અવકાશ સ્પેસ એજન્સી ISRO એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમનું ઐતિહાસિક સૉફ્ટ લેન્ડિંગ કરાવ્યુ અને આ સાથે જ ભારત ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનારો પ્રથમ દેશ બની ગયો હતો.  બસ ત્યારથી ચંદ્રયાન-3નું રૉવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે. બુધવાર (30 ઓગસ્ટ) એ ચંદ્ર પર પ્રજ્ઞાનનો 8મો દિવસ છે. આ સમયગાળા દરમિયાન ઈસરોએ ચંદ્રયાન-3 દ્વારા એક મોટી શોધ કરી છે. રૉવર પ્રજ્ઞાનના પેલૉડે ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફર સહિતના અન્ય પદાર્થોની હાજરી શોધી કાઢી છે, જાણકારી મેળવી લીધી છે. 


અહીં એ જાણવું જરૂરી છે કે, જીવનની શક્યતા માટે ઓક્સિજનની હાજરી સૌથી મહત્વપૂર્ણ છે. આ સાથે રૉવરે ચંદ્રની સપાટી પરનું તાપમાન માપ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ છે. દુનિયાનો કોઈ દેશ આ વિસ્તાર સુધી પહોંચી શક્યો નથી. આવામાં ચંદ્રયાન-3થી મળેલા ડેટા પર સમગ્ર વિશ્વની નજર છે.


ચંદ્રયાન-3ની શોધ પર દુનિયાની નજર કેમ ?
ચંદ્રયાન-3માંથી મળેલો ડેટા ખાસ કેમ છે, તે અંગે વાત કરતાં અવકાશ વૈજ્ઞાનિક ટીવી વેંકટેશ્વરને ANIને જણાવ્યું કે, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને અમેરિકન ઓર્બિટર ચંદ્રના આ વિસ્તારમાં રિમૉટ સેન્સિંગ દ્વારા મિનરલ્સનું મેપ કરી ચૂક્યું છે. હા, પરંતુ આ રિમૉટ 100 કિમી દૂરથી સેન્સિંગ કરવામાં આવ્યું છે. આની પુષ્ટિ કરવા માટે અમારે કેટલીક જગ્યાએ ઉતરવું પડશે. જો દૂરથી એકત્રિત કરવામાં આવેલ ડેટા ચંદ્રની સપાટી પર એકત્રિત કરવામાં આવેલા ડેટા સાથે મેળ ખાય છે, તો રિમૉટ સેન્સિંગ ડેટામાં વિશ્વાસ વધુ વધશે.


ચંદ્રયાન-3ને અત્યાર સુધી ચંદ્રમાં પર શું શું શોધ્યુ ?
ISROએ મંગળવારે (29 ઓગસ્ટ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક પૉસ્ટ દ્વારા ચંદ્રયાન-3ની અત્યાર સુધીની શોધ વિશે માહિતી આપી હતી. ચંદ્રયાન-3 ના રૉવર પ્રજ્ઞાનના પેલૉડ દ્વારા શોધાયેલ તત્વોમાં એલ્યૂમિનિયમ (Al), સલ્ફર (S), આયર્ન (Fe), ક્રૉમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), સિલિકૉન (Si) અને ઓક્સિજન (O) નો સમાવેશ થાય છે.


આ સાથે ચંદ્રયાન-3 હાઈડ્રૉજનની શોધ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે ઓક્સિજન બાદ જો ચંદ્ર પર હાઈડ્રોજનની પણ શોધ થઈ જાય તો તે ચંદ્ર પર પાણીની શોધની દિશામાં એક મોટું પગલું હશે.


ચંદ્રમાનું તાપમાન - 
ચંદ્રયાન-3 મિશનની બીજી મહત્વની સિદ્ધિ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન માપવાનું છે. મિશન દરમિયાન રૉવર દ્વારા લેન્ડરને મોકલવામાં આવેલા ડેટાના આધારે, ઈસરોએ 27 ઓગસ્ટે ચંદ્રના તાપમાનનો ગ્રાફ જાહેર કર્યો હતો.


ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટીથી 8 સેન્ટિમીટરની ઊંડાઈએ અલગ-અલગ તાપમાનનો અભ્યાસ કર્યો છે. સપાટી અને તેની નીચે વચ્ચેના તાપમાનમાં તફાવત આશ્ચર્યજનક છે. ISRO તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ચંદ્રની સપાટી પર તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે 8 સેન્ટિમીટરની ઊંડાઈએ તે શૂન્યથી 10 ડિગ્રી નીચે (માઈનસ 10) નોંધાયું હતું. એટલે કે, 8 સેન્ટિમીટરના તફાવત પર તાપમાનમાં તફાવત 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો.


4 મીટર ગોળાઇનો ખાડો - 
ઈસરોએ પીટીઆઈને જણાવ્યું કે, જ્યારે પ્રજ્ઞાન રૉવર ચંદ્રની સપાટી પર પ્રયોગો કરવા માટે ભ્રમણ કરી રહ્યું હતું, ત્યારે તેને 4-મીટર વ્યાસનો ખાડો મળ્યો, જે રૉવરના સ્થાનથી 3 મીટર આગળ હતો. આ પછી પ્રજ્ઞાનને નવા માર્ગ પર જવાની સૂચના આપવામાં આવી. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ આવા ખાડાઓથી ભરેલો છે. ઘણા ખાડાઓ એટલા ઊંડા છે કે સૂર્યપ્રકાશ તેમના સુધી પહોંચતો નથી.