Chandrayaan 3 Rover News: ચંદ્રયાન-3 મિશનનું પ્રજ્ઞાન રૉવર (Pragyan Rover) ચંદ્રમાં પર ભ્રમણ કરીને વિવિધ માહિતી એકત્ર કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર સદી લગાવતા રૉવર અત્યાર સુધીમાં 100 મીટરનું અંતર કાપ્યું છે. ઈસરોએ (ISRO) શનિવારે (2 સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી.


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોશ્યલ પ્લેટફોર્મ X પર પૉસ્ટ કરીને કહ્યું કે, "ચંદ્રયાન-3 મિશનની પ્રજ્ઞાન રૉવરનું શતક પૂર્ણ થઈ ગઈ છે, તેણે અત્યાર સુધી ચંદ્રની ઉપર 100 મીટરથી વધુનું અંતર કવર કર્યું છે અને યાત્રા ચાલુ છે."






 


23 ઓગસ્ટે કર્યું હતુ સૉફ્ટ લેન્ડિંગ - 
ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મૉડ્યૂલે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના થોડા કલાકો પછી, પ્રજ્ઞાન રૉવર વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું અને ચંદ્રની સપાટી પર ફરવાનું શરૂ કર્યું.


ચંદ્રયાન-3 મિશનમાં હવે આગળ શું થશે ?
ઈસરોના ચીફ એસ સોમનાથે શનિવારે મિશનની આગળની પ્રક્રિયા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચંદ્ર પર મોકલવામાં આવેલ ચંદ્રયાન-3નું રૉવર અને લેન્ડર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને ચંદ્ર પર હવે રાત થઇ જશે અને તેઓ નિષ્ક્રિય થઈ જશે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સોમનાથે કહ્યું કે અમારી ટીમ હવે વૈજ્ઞાનિક સાધનો સાથે ઘણું કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રૉવર લેન્ડરથી ઓછામાં ઓછું 100 મીટર દૂર ખસી ગયું છે અને અમે તેને આગામી એક-બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ચંદ્ર પર રાત પડવાની છે.


આદિત્ય એલ1 મિશનનું સફળ લૉન્ચિંગ - 
શનિવારે જ, ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ કેન્દ્રથી પોતાનું પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય L1' સફળતાપૂર્વક લૉન્ચ કર્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર લેન્ગ્રેન્જિયન પૉઇન્ટ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે.