Chandrayaan 3 Updates: ભારતના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' દ્વારા વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવાર, 29 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સલ્ફરની હાજરી હોવાની રોવર પર પેલોડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે ભારતીય અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે સ્થળ પર હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.


પોસ્ટમાં, ISROએ જણાવ્યું કે, "ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે... ઇન-સીટુ મેઝરમેંટ્સ દ્વારા, રોવર પર લાગેલું ઉપકરણ 'લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ' (LIBS) સ્પષ્ટપણે દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હોવાની પુષ્ટિ કરે છે.


LIBS સાધન ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ ઈસરોની બેંગલુરુ લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું હોવાનું ISROએ ઉમેર્યું છે.






પ્રજ્ઞાન રોવરે મહત્વનો ડેટા મોકલ્યો


ભારતના ‘ચંદ્રયાન-3’ના વિક્રમ લેન્ડર સાથે ચંદ્રની સપાટી પર જોડી જમાવનાર પ્રજ્ઞાન રોવરે મહત્વનો ડેટા મોકલ્યો છે. પ્રજ્ઞાન રોવરે એક મેસેજ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીવાસીઓને ખબરઅંતર પણ પૂછ્યા છે... રોવરે જણાવ્યું કે, તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેની સ્થિતિ સારી છે... આ સાથે સંદેશમાં એમ પણ કહ્યું કે, ટુંક સમયમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે...


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવાયું છે કે, ‘હેલ્લો પૃથ્વીવાસીઓ... હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર છું... આશા કરુ છું કે, તમે બધા સ્વસ્થ હશો... હું તમામને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા મારા રસ્તા પર છું... હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ... અમારી સ્થિતિ સારી છે... સૌથી શ્રેષ્ઠ પરિણામ ટુંક સમયમાં આવશે...’


ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે પ્રજ્ઞાન રોવર ચંદ્રના વધુ રહસ્યો ઉજાગર કરવાના માર્ગ પર છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન 3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણના કલાકો બાદ રોવરને 'વિક્રમ' લેન્ડરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.