Kedarnath Dham: ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ અને યમુનોત્રી મંદિરોના કપાટ રવિવારે ભાઈ બીજના અવસર પર વૈદિક વિધિઓ વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, મંદિર સમિતિ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી છ મહિના સુધી કેદારધામની પૂજા-અર્ચના ઓંકારેશ્વર મંદિર ઉખીમઠના થશે. કપાટ બંધ થયા બાદ બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોળી યાત્રા કાઢવામાં આવી હતી.
વિશ્વ પ્રસિદ્ધ 11મા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના કપાટ 3, નવેમ્બરના રોજ ભાઇ બીજના પવિત્ર તહેવાર પર સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હજારો ભક્તો ભારતીય સેનાના બેન્ડની ભક્તિમય ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા. આ વર્ષે 16.5 લાખ ભક્તોએ બાબા કેદારના દરબારમાં દર્શન કર્યા હતા.
મંદિર સમિતિના અધિકારીઓએ જણાવ્યું કે કેદારનાથ મંદિર સવારે 8:30 વાગ્યે અને યમુનોત્રી મંદિર બપોરે 12:05 વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. બંને ધામોના કપાટ બંધ થયા પછી કેદારનાથમાં ભગવાન શિવની મૂર્તિઓ અને યમુનોત્રીની અધિષ્ઠાત્રી દેવી યમુનાની મૂર્તિઓ પાલખીમાં સવાર કરીને ઉખીમઠ અને ખરસાલી મોકલવામાં આવી હતી. કેદારનાથ ધામના કપાટ બંધ થવાના સમારોહના સાક્ષી બનવા માટે 18,000થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા હતા.
16 લાખ ભક્તોએ કેદારધામના દર્શન કર્યા
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના મીડિયા પ્રભારી હરીશ ગૌરે જણાવ્યું હતું કે મંદિરના દરવાજા બંધ થતા પહેલા સવારે 4 વાગે ભવ્ય સમારોહ શરૂ થયો હતો. BKTC પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે ચાર ધામ યાત્રાની સીઝન દરમિયાન 16.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં પૂજા માટે પહોંચ્યા હતા.
ગઢવાલ હિમાલયમાં 11,000 ફૂટથી વધુની ઉંચાઈ પર આવેલું કેદારનાથ દેશના વિવિધ ભાગોમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે દર વર્ષે લાખો યાત્રાળુઓ માટે એક લોકપ્રિય યાત્રાધામ છે. શિયાળામાં હિમવર્ષાને કારણે મંદિર બંધ રહે છે.
બદ્રીનાથ ધામના કપાટ ક્યારે બંધ થશે?
મંદિર સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે યમુનોત્રી ધામ 3 નવેમ્બરે અભિજીત મુહૂર્ત દરમિયાન બપોરે 12:05 વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. ચાર ધામ મંદિરમાંના એક ગંગોત્રીધામને 2 નવેમ્બરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવ્યું હતું. આ સિવાય શ્રી બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 17 નવેમ્બરે બંધ કરવામાં આવશે.