ચંડીગઢઃ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિહં ચન્નીએ શપથ લીધા છે. ચરણજીત સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી એક ચહેરો હિંદુ અને બીજો ચહેરો શિખ સમુદાયમાંથી આવે છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો.




કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ચરણજીત સિંહને અભિનંદન આપ્યા હતા. ચરણજીતસિંહ કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ઘરે જઇ શકે છે. નારાજ અમરિંદર સિંહ રાજભવનમાં ચરણજીતના શપથ સમારોહમાં હાજર રહ્યા નહોતા. વડાપ્રધાન મોદીએ પણ પંજાબના નવા મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, ચરણજીત સિંહ ચન્નીજીને પંજાબના મુખ્યમંત્રીરૂપમાં શપથ લેવા પર અભિનંદન. પંજાબના લોકોની સુખાકારી માટે પંજાબ સરકાર સાથે કામ કરવાનું ચાલી રાખીશું.





કોગ્રેસે પંજાબમાં પ્રથમ દલિત બનાવવા પર બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, આ ફક્ત કોગ્રેસનો ચૂંટણી દાવ છે. કોગ્રેસને દલિતો પર વિશ્વાસ નથી. દલિત વર્ગે કોગ્રેસથી સાવધાન રહેવું જોઇએ. નોંધનીય છે કે  કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના આ માસ્ટરસ્ટ્રોકથી પંજાબ વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. કોગ્રેસે આ નિર્ણયથી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને સાધવાનો પ્રયાસ કર્યો છે.


કોગ્રેસ નેતા સુનીલ જાખડના ભત્રીજા અજય જાખડે પંજાબ કિસાન ખેતિહર મજૂર આયોગના અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અજય જાખડને અનેક વાર પંજાબ સરકારની ટીકા કરતા સાંભળવવામાં આવ્યા છે.


શપથ સમારોહમાં સામેલ નહી થનારા કેપ્ટન અમરિંદર સિંહને મનાવવા માટે રાહુલ ગાંધી તેમની મુલાકાત કરશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો પરંતુ એવું કાંઇ થયું નહીં. રાહુલ ગાંધી ચંડીગઢથી સીધા સીમલા જવા રવાના થયા હતા.