Project Cheetah: ભારતમાંથી નામશેષ થઈ ગયાના લગભગ સાત દાયકા પછી ચિત્તાઓનું ફરી દેશમાં આગમન થયું છે. ભારતના જંગલોમાં ચિત્તાઓના પુનર્વસનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૃપે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાંથી ત્રણને શનિવારે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વિશેષ વાડામાં છોડયા હતા. 'પ્રોજેક્ટ ચિત્તા'નો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકાર વન્યજીવો અને પર્યાવરણના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, ચિત્તાના પુનર્વસન માટેના પ્રોજેક્ટના પ્રસ્તાવને યુપીએના શાસનમાં ૨૦૦૮-૦૯માં મનમોહન સરકારે મંજૂરી આપી હતી અને એપ્રિલ ૨૦૧૦માં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આફ્રિકાના ચિતા આઉટ રીચ સેન્ટર ગયા હતા. જોકે, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ પર સ્ટે મૂક્યો હતો. ૨૦૨૦માં આ સ્ટે હટયો હતો અને હવે ચિત્તાનું ભારતમાં આગમન થયું છે.
સોશિયલ મીડિયા પર થઈ ચર્ચા
મોદી અને ચિતા પ્રોજેક્ટની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચાલી. જેમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એન્ટ્રી લીધી હતી. ચિત્તાનો વીડિયો ટ્વીટ કરીને તેણે લખ્યું, 'બધા ગર્જનાની રાહ જોઈ રહ્યા હતા... પરંતુ તે બિલાડીની માસીનો પરિવાર હોવાનું બહાર આવ્યું.' આ વિડિયોમાં એક ચિત્તો અવાજ કાઢતો જોવા મળી રહ્યો છે અને અખિલેશ પીએમ મોદીનું નામ લીધા વગર તેમની કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છોડવાની જગ્યાએ પોતાનું ધ્યાન બેરોજગારી સંકટ અને જરુરી વસ્તુઓના ભાવ વધારા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન પર લગાવવું જોઈએ. કેરલના હરિપાઠમાં ભારત જોડા યાત્રા દરમિયાન રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પર સુનિયોજીત રીતે અટેક કરી રહી છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે અમારો સિંહ ભારત પ્રવાસે છે તેથી ભારતને તોડનારાઓ હવે વિદેશમાંથી ચિત્તા લાવી રહ્યા છે. બીજી તરફ સપા પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે વીડિયો ટ્વીટ કરીને ઝાટકણી કાઢી હતી. તેણે લખ્યું- બધા ગર્જનાની રાહ જોઈ રહ્યા હતા... પરંતુ તે બિલાડીની માસીનો પરિવાર નીકળ્યો.
પીએમ મોદી ચિતા કરતા પણ ઝડપથી દોડે છેઃ ઓવૈસી
બે દિવસ પહેલા એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભારતમાં ચિત્તાઓના આગમન પર ભાજપ અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે આપણે દેશમાં બેરોજગારીની વાત કરીએ છીએ ત્યારે મોદી ચિતાને પણ પાછળ છોડી દે છે. જ્યારે ચીન વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ચિતા કરતા પણ ઝડપથી દોડે છે.
કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર તત્કાલિન વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશની તસવીર સાથે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે, 'પ્રોજેક્ટ ચિત્તા' 2008-09માં પ્રસ્તાવિત કરવામાં આવી હતી. મનમોહન સિંહની સરકારે તેને મંજૂરી આપી હતી. ટ્વિટમાં આગળ લખવામાં આવ્યું હતું કે, 'એપ્રિલ 2010માં તત્કાલિન વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આફ્રિકામાં ચિતા આઉટ રીચ સેન્ટર ગયા હતા. 2013 માં, સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, 2020 માં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. હવે ચિત્તા આવશે.