Cheetahs In India: ભારતીય એરફોર્સનુ વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટરથી 12 ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકાથી સવારે 10 વાગ્યે ચિત્તા ભારતની ધરતી પર ઉતર્યા છે. તેઓને ગ્વાલિયરના એરફોર્સ બેઝ પર ઉતારવામાં આવ્યા હતા. આ ચિત્તાઓને 10 દિવસ ક્વોરેન્ટાઈનમાં રાખ્યા બાદ કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. હવે ભારતમાં કુલ 20 ચિત્તા છે.
આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમને કુનો નેશનલ પાર્કમાં જ તેમના ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં મુક્ત કર્યા હતા. 10 દિવસ પછી તેમને પાર્કમાં છોડવામાં આવશે.
અગાઉ 8 ચિત્તા નામીબિયાથી આવ્યા હતા
અધિકારીઓએ જણાવ્યું કે ચિત્તાઓ માટે 10 ક્વોરેન્ટાઇન એન્ક્લોઝર બનાવવામાં આવ્યા છે. ભારતીય વન્યજીવ કાયદા અનુસાર, પ્રાણીઓને દેશમાં આવ્યા પછી 30 દિવસ સુધી એકાંતમાં રાખવા જરૂરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નામિબિયાથી આઠ ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્કમાં તેમને મુક્ત કર્યા હતા.
વિશ્વના મોટાભાગના ચિત્તા આફ્રિકામાં છે
ભારત અને દક્ષિણ આફ્રિકાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં આફ્રિકન દેશમાંથી ચિત્તાઓને લાવવા અને તેમને કુનોમાં વસાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વના 7,000 ચિત્તાઓમાંથી મોટાભાગના દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને બોત્સ્વાનામાં રહે છે. નામિબિયામાં ચિત્તાની સૌથી વધુ વસ્તી છે. ચિત્તા પ્રોજેક્ટ ચીફ એસપી યાદવે જણાવ્યું હતું કે રાત્રે 8.30 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ માટે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં જોહાનિસબર્ગ એરપોર્ટથી 12 ચિત્તાએ ઉડાન ભરી હતી.