Chennai Airport News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (8 એપ્રિલ) ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રૂ. 1,260 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ (ફેઝ-1)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ બિલ્ડિંગ ખાસ કરીને રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને દર્શાવવા માટે બનાવવામાં આવી છે. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને અન્ય નેતાઓ હાજર હતા.
વડાપ્રધાને ચેન્નઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને પછી ચેન્નઈમાં રોડ શો કર્યો હતો. આ પહેલા શનિવારે પીએમ મોદી પણ તેલંગણાના પ્રવાસે ગયા હતા. PMએ અહીં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય તેમણે ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું
આ દરમિયાન પીએમએ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે પરિવારવાદને પ્રોત્સાહન આપતા મુઠ્ઠીભર લોકો તેલંગણાના લોકો માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સનો પોતે લાભ કેવી રીતે મેળવી શકે તેની શક્યતાઓ શોધી રહ્યા છે. તેમણે રાજ્યમાં કેન્દ્રની યોજનાઓ અંગે શાસક પક્ષના કથિત અસહકાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
પીએમએ વિપક્ષી નેતાઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવીને તે પક્ષોને ઝટકો આપ્યો છે. કેટલાક દિવસ અગાઉ કેટલાક રાજકીય પક્ષો કોર્ટમાં સંરક્ષણ માંગવા ગયા હતા કે કોઇ અમારા ભ્રષ્ટાચારની તપાસની માંગણી ના કરે. તેઓ કોર્ટમાં ગયા પરંતુ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે.
વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા
નોંધનીય છે કે કોંગ્રેસની આગેવાની હેઠળના 14 રાજકીય પક્ષોએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિપક્ષી નેતાઓ અને અસહમતિના તેમના મૌલિક અધિકારનો ઉપયોગ કરનારા અન્ય નાગરિકોને વિરુદ્ધ કડક ફોજદારી કાર્યવાહીમાં ચિંતાજનક વધારો થયો છે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.