Coronavirus:  દેશમાં હોળી-ધૂળેટીના તહેવાર બાદ કોવિડના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્યા મંત્રી મનસુખ માંડવીયાએ બેઠક યોજી હતી. તેમણે કોરોનાને હળવાશથી ન લેવા સુચના આપી છે. તો બીજી તરફ હવે સિક્કિમ સરકારે ગુરુવારે એક એડવાઈઝરી જારી કરીને રાજ્યના લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કહ્યું છે.


કોરોનાથી બચવા શું કરશો અને શું નહીં


મિનિસ્ટ્રી ઓફ હેલ્થના ટ્વિટર એકાઉન્ટ પર કોરોનાથી બચવા શું કરવું અને શું નહીં તે અંગેની માહિતી આપવામાં આવી છે. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, બેદરકારી યોગ્ય નથી, કોરોના હજુ ગયો નથી.




    • ભીડ-ભાડવાળા અને બંધ સ્થાનો પર માસ્ક પહેરો.

    • હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો. નિયમિત રીતે હાથ ધોવો.

    • છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ, ટિશ્યૂનો ઉપયોગ કરો.

    • ભીડ-ભીડવાળા અને હવાની ઓછી અવરજવર વાળા સ્થાન પર જવાથી બચો.

    • પ્રીકોશન ડોઝ જરૂર લો.









આ ઉપરાંત જો કોરોનાના લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર ટેસ્ટ કરાવો.


દેશમાં દૈનિક નોંધાઈ શકે છે 20 હજાર કેસ


 આઇઆઇટી, કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કોરોનાના વધતા કેસો વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધતા કેસોને સિઝનલ બિમારીની જેમ જોઇ ન શકાય.પ્રોફેસરે દાવો કર્યો છે કે આવનારા બે મહિનામાં દરરોજ 15 થી 20 હજાર કેસ સામે આવશે. તેમણે જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના લોકોએ રસી લઇ લીધી છે અને તમામ એક વખત વાયરસથી સંક્રમિત પણ થઇ ગયા હોવાથી લોકોમાં એક સ્તરની ઇમ્યુનિટી પણ બની ગઇ છે. જેના કારણે જ્યારે પણ કોઇને સંક્રમણ થશે તો વધુ અસરકારક નહીં હોય. કેસોની સંખ્યા વધશે પણ તે લહેર નહીં ગણાય. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે લહેર નહીં આવે. ગયા વર્ષે જુલાઇમાં પણ નાની લહેર આવી હતી જેમાં દૈનિક 20,000કેસ આવતા હતાં. આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે અને દૈનિક કેસોની સંખ્યા વધીને 2૦,૦૦૦ સુધી જઇ શકે છે. ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઘટી છે.