રાયપુરઃ છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અવસર પર કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાંકેરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલે છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.
રાહુલે પનામા કેસમાં રમનસિંહના દીકરાના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે કેસમાં પાકિસ્તાન જેવા દેશના વડાપ્રધાન નવાઝ શરીફ જેલમાં જાય છે તે કેસમાં મુખ્યમંત્રી રમન સિંહના દીકરાનું નામ આવે છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જો મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવા માંગતા નથી તો તેમણે છત્તીસગઢના લોકોને બતાવવું જોઇએ કે પનામા પેપર્સમાં નામ આવવા પર તેમના દીકરા વિરુદ્ધ કોઇ કાર્યવાહી કેમ કરી નથી. રાહુલ ગાંધીએ પીડીએસ કૌભાંડની ચર્ચા કરી અને કહ્યું કે, છત્તીસગઢના લોકોના 36 હજાર કરોડ રૂપિયા લૂંટી લીધા. ડાયરી મળી, ડાયરીમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રીને પૈસા આપ્યા, ડોક્ટર સાહેબને પૈસા આપ્યા, હું રમનસિંહજીને પૂછવા માંગું છું કે આ મુખ્યમંત્રી કોણ છે?, આ ડોક્ટર સાહેબ કોણ છે? જેનું નામ આ કેસમાં આવ્યું હતું.
કાંકેરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, હવે ચોકીદાર ભ્રષ્ટાચારની વાત નહી કરે. મોદીજી કહે છે કે તે ભ્રષ્ચાચાર વિરુદ્ધ લડી રહ્યા છે પરંતુ વાત હવે છત્તીસગઢની હોય તો તેઓ તમને બતાવવા નથી કે મુખ્યમંત્રી ભ્રષ્ટ છે, તમારા પાંચ હજાર કરોડ રૂપિયા ચિટ ફંડ કૌભાંડમાં ગુમ થઇ ગયા, 310 એફઆઇઆર દાખલ કરવામાં આવી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ના આવી કારણ કે તેમાં મુખ્યમંત્રી સામેલ હતા.