નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ વચ્ચે રાજ્ય સરકાર 18મી સદીના મૈસૂર શાસક ટીપૂ સુલતાનની આજે જન્મજયંતિ મનાવી રહી છે. ભાજપ સહિતના અનેક સંગઠનો રાજ્ય સરકારના આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે પ્રદેશ બીજેપીએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને સવાલ કર્યો હતો કે તે જયંતિ સમારોહના કાર્યક્રમમાં સામેલ કેમ થઇ રહ્યા નથી. બીજી તરફ હરિયાણાના બીજેપી નેતા અને રાજ્યમાં કેબિનેટ મંત્રી અનિલ વિજે કોગ્રેસ પર પ્રહાર કર્યો હતો.
અનિલ વિજે ટીપૂની જયંતિને લઇને એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે, કોગ્રેસ આજે લાખો હિન્દુઓના હત્યારા ટીપૂ સુલતાનનું શ્રાદ્ધ કરી રહી છે. ભાજપના વિરોધપ્રદર્શનને પગલે હુબલી, ધારવાડ અને શિવમોગ્ગા સહિત કર્ણાટકના અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ વખતે જયંતિ પર અનેક કાર્યક્રમો આયોજીત કરવાની યોજના છે.
ટીપૂની જન્મજયંતિ પર કર્ણાટકના મુખ્યમંત્રીએ લોકોને શુભકામના આપતા કહ્યું કે, આજે આખા રાજ્યમાં ટીપૂ સુલતાનની જયંતિ મનાવવામાં આવી રહી છે. ટીપૂ સુલતાન વહીવટી રીતે પ્રયોગ કરતા રહેતા હતા. જયંતિ સમારોહમાં સામેલ નહી રહેવા પર કુમારસ્વામીએ કહ્યું કે ડોક્ટરોએ મને આરામ કરવાની સલાહ આપી છે. એટલા માટે હું જયંતિ સમારોહમાં સામેલ રહી શકું તેમ નથી જેનો બીજો કોઇ અર્થ કાઢવાની જરૂર નથી. હું અંધવિશ્વાસ વિરુદ્ધ છું અને જે લોકો કહી રહ્યા છે કે હું સત્તા ખોવાઇ જવાના ડરથી ટીપૂ સુલતાનની જયંતિમાં સામેલ થઇ રહ્યો નથી તો તે બિલકુલ ખોટી વાત છે.