છત્તીસગઢના જશપુરમાં એક મોટી અને દુખદ  ઘટના બની છે. અહીં એક કાર ચાલકે રસ્તા પર નીકળી રહેલી ધાર્મિક રેલીમાં સામેલ લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ અહીંની સ્થિતિ બેકાબૂ બની છે. લોકો ખૂબ ગુસ્સે છે, જેના કારણે શહેરમાં તણાવનું વાતાવરણ છે. ગુસ્સે ભરાયેલા લોકોએ તે કારને આગ લગાવી દીધી છે. જોકે પોલીસે કાર ચાલક સહિત બંને આરોપીઓની ધરપકડ કરી છે.


એક આરોપીનું નામ બબલુ વિશ્વકર્મા છે. ઉંમર 21 વર્ષ છે અને તે મધ્ય પ્રદેશના સિંગરૌલીના બધાનનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ શિશુપાલ સાહુ  છે. ઉંમર 26 વર્ષ છે અને મધ્યપ્રદેશના બાબરગાવન જિલ્લાના સિંગરૌલી જિલ્લાના રહેવાસી છે. બંને આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને છત્તીસગઢમાંથી પસાર થઈ રહ્યા હતા. બંને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હોવાની માહિતી મળી રહી છે. લોકો સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નારાજ લોકોને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.


છત્તીસગઢના જશપુરમાં 100-150 લોકો દુર્ગા માતાના વિસર્જન માટે જઈ રહ્યા હતા. ઉત્સવનું વાતાવરણ હતું. ત્યારે અચાનક પાછળથી લાલ રંગની એક હાઇ સ્પીડ કાર સ્થળ પર આવે છે અને લોકોને કચડી નાખે છે . આખરે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે લોકોના ટોળાને જોઈને કાર ચાલકે કારને કેમ રોકી ન હતી. જો કે, એવી માહિતી છે કે વાહનમાં  ગાંજા હતો. જો ડ્રાઈવરે કાર રોકી હોત તો તે પકડાઈ ગયો હોત.


છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રમણ સિંહે રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે આ દુર્ઘટનાની જવાબદારી લેતા રાજ્યના ગૃહમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમજ મૃતકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવી જોઈએ.