નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમનની ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈએ બુધવારે રાત્રે દિલ્હીના જોર બાગ સ્થિત તેમના સરકારી ઘરેથી ધરપકડ કરી હતી. સીબીઆઈની ટીમ તેને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ હતી. રસપ્રદ વાદ એ છે કે સીબીઆઈની ટીમ પૂર્વ ગૃહમંત્રીને ધરપકડ કરીને જે બિલ્ડિંગ (સીબીઆઈ મુખ્યાલય)માં લઈ ગઈ હતી તે બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં એક સમયે ચિદંબરમ મુખ્ય અતિથિઓમાં સામેલ હતા. સીબીઆઈની આ નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું.


વર્ષ 2011માં ત્યારે પી. ચિદંબરમ દેશનાં ગૃહ મંત્રી હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે સીબીઆઈની આ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મનમોહન સિંહ સાથે તે સમયનાં ગૃહ મંત્રી પી. ચિદંબરમ પણ હાજર હતા. આ ઉપરાંત કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય નેતા પણ અહીં હાજર હતા.



સીબીઆઈ આજે અહીંથી જ તેમને કૉર્ટમાં રજૂ કરશે. આ પહેલા મંગળવારનાં રાત્રે સીબીઆઈ અને ઈડી પી. ચિદંબરમની શોધમાં લાગ્યા હતા, પરંતુ બંને એજન્સી તેમને શોધી શકી નહોતી. ત્યારબાદ બુધવાર રાત્રે 8 વાગ્યે ચિદંબરમ અચાનક કૉંગ્રેસ મુખ્ય મુખ્યાલય પહોંચ્યા હતા, જ્યાં પ્રેસ કૉન્ફરન્સમાં 10 મિનિટ પોતાનું લખેલું ભાષણ વાંચ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. તેમની પાછળ પાછળ સીબીઆઈ અને ઈડીની ટીમ કૉંગ્રેસ મથકે પહોંચી હતી, પરંતુ ત્યાર સુધી તેઓ ઘરે જવા નીકળી ચુક્યા હતા. ત્યારબાદ તેમના નિવાસ્થાને જઇને સીબીઆઈએ તેમને પકડ્યા હતા.