નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા બાદ દેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પોલીસ પુરી રીતે એલર્ટ છે. ચુકાદા બાદ રામલલ્લાના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસના ઘરની સુરક્ષામાં વધારો કરાયો છે. મહંત સત્યેન્દ્ર દાસના ઘરની બહાર ડઝનેક પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય અયોધ્યામાં અન્ય પ્રમુખ સંતોની સુરક્ષા વધારાઇ છે.
નોંધનીય છે કે શનિવારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં વિવાદીત સ્થળને રામલલ્લા બિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.
ચુકાદા બાદ પણ ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટના જજોની પણ સુરક્ષા વધારાઇ છે.