નવી દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદીત જમીનનો મુદ્દો ભારતમાં વર્ષોથી ચાલતો આવતો હતો તેના પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ નિર્ણયની રાહ આખો દેશ નહી પરંતુ દુનિયા કરી રહી હતી કારણ કે આ ભારતના ઇતિહાસ અને રાજકીય રીતે ખૂબ મોટો નિર્ણય રહ્યો છે. દુનિયાની મોટી ન્યૂઝ એજન્સીઓ, અખબારો, મીડિયા વેબસાઇટ્સ અને ન્યૂઝ ચેનલોએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કવરેજ કર્યું હતું.


અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સને આ ચુકાદા પર લખ્યુ હતું. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના આર્ટિકલમાં લખ્યું કે, ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક ખૂબ જૂના મામલામાં હિંદુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. આ વિવાદીત સ્થળ પર મુસ્લિમો દ્ધારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ નિર્ણય વડાપ્રધાન મોદી અને તેમના ફોલોઅર્સ માટે દેશને સેક્યુલરથી હટાવીને હિંદુ બનાવવા તરફ એક મોટી જીત છે.

અમેરિકાના અન્ય અખબાર વોશિંગ્ટન પોસ્ટે આ મામલા પર લખ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું ભાજપ અને અન્ય હિંદુ રાષ્ટ્રવાદીઓનું એક મોટું લક્ષ્ય હતું. મે મહિનામાં ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાનો એજન્ડા લાગુ કરવામાં લાગી ગયા હતા. આ નિર્ણય મુસ્લિમોના તર્કોને નજરઅંદાજ કરતા હિંદુઓને વિવાદીત જમીનનો અધિકાર આપે છે. જે નરેન્દ્ર મોદી માટે એક મોટી જીત છે.

પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉને આ મામલામાં લખ્યુ કે-ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક ખૂબ જૂના મામલામાં વિવાદીત જમીનને હિંદુ પક્ષકારોને આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્થાન પર 1992માં 16મી સદીની એક મસ્જિદને હિંદુઓ દ્ધારા તોડી પાડવામાં આવી હતી. હવે મુસ્લિમોને અલગથી જમીન આપવામાં આવી છે.