Child’s Vaccination: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના રોજના બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના સામે લડવા હવે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. હાલ 15થી 18 વર્ષના લોકોને રસી અપાઇ રહી છે જ્યારે હવે આગામી માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના લોકોને પણ રસી આપવામાં આવશે તેમ નીતી આયોગના ચેરમેન ડો. એન કે અરોરાએ જણાવ્યું હતું. આજે સવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 12-14 વર્ષના બાળકોને રસી આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
નીતિ આયોગના ચેરમેન ડો. અરોરાએ શું કહ્યું હતું
અરોરાએ કહ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં 15થી 18 વર્ષનાને રસી આપવાનું કામ પૂર્ણ થઇ જશે પછી 12થી 14 વર્ષનાને પણ રસી આપવાનું શરૂ કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે. દેશમાં 17 જાન્યુઆરીએ 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સે કોરોના સંક્રમિત વૃદ્ધોની સારવાર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. નવી ગાઇડલાઇનમાં કોરોના પોઝિટિવ થનારા વૃદ્ધોને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.જેમાં માઇલ્ડ, મોડરેટ અને ગંભીર રીતે બિમાર એમ ત્રણ ભાગોનો સમાવેશ કરાયો છે. જેમનામાં જેવા લક્ષણ તેવી સારવાર આપવાની રહેશે તેમ આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે. સારવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આ ત્રણેય કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે.