India-China Tawang : ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ઘેરો બન્યો છે. 9મી ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી અથડામણે ગલવાન સમયે મળેલા જૂના ઘા ફરી ખોલ્યા છે. જો કે, આ વખતે તવાંગમાં પરિસ્થિતિ ગાલવાનથી બિલકુલ અલગ હતી અને ચીની સૈનિકોને પરિણામ ભોગવવા પડ્યા.


 વર્ષ 2020 માં જ્યારે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યારે એક વાત સ્પષ્ટ હતી કે, ભારતીય સૈનિકોની સંખ્યા ચીનના સૈનિકો કરતા ઓછી હતી તેથી અચાનક કરેલા હુમલામાં તેમને ફાયદો થયો હતો પણ આ વખતે પરિસ્થિતિ કંઈક ઓર જ હતી. 


તવાંગની પરિસ્થિતિ ગાલવાનથી કેટલી અલગ?


એક જાણીતી સમાચાર ચેનલે 9મી ડિસેમ્બરે જ્યાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી તે સ્થળના ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ ફોટા જાહેર કર્યા છે. સેટેલાઇટ ફોટો પરથી અંદાજ છે કે આ વખતે જ્યારે ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો ત્યારે તેમને નોંધપાત્ર સંખ્યામાં ભારતીય સૈનિકોનો સામનો કરવો પડ્યો હશે.


જૂન 2020માં જ્યારે ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં અચાનક ઘૂસણખોરી શરૂ કરી, ત્યારે તે દિવસે અને તે સ્થળે હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેનાના ઓછા જવાનો હાજર હતા. પરંતુ આ વખતે તવાંગની સેટેલાઇટ તસવીરો કંઇક અલગ જ કહાની કહી રહી હતી. આ વિસ્તારમાં અનેક ફોરવર્ડ લોકેશન પર ભારતીય સૈનિકો મોટી સંખ્યામાં હાજર હતા.


તવાંગમાં જ્યારે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે ભારતીય સૈનિકો સંપૂર્ણ રીતે પોઝિશનમાં હતા અને અથડામણ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો પીછો કર્યો હતો અને તેમને તેમની સરહદમાં પાછા ધકેલી દીધા હતાં. માનવામાં આવી રહ્યું છે કે, ચીની સેના તવાંગના પૂર્વી તરફના ઊંચા શિખરો પર કબજો મેળવવા માંગે છે, કારણ કે આ જગ્યાએથી ભારતીય સેના અને તવાંગમાં થતી તમામ ગતિવિધિઓ પર ખુબ જ આસાનીથી નજર રાખી શકે છે.


ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ તવાંગ અથડામણને લઈને લોકસભામાં નિવેદન જારી કર્યું હતું. જ્યાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું ક, ચીની સેના સાથેની આ અથડામણમાં ન તો ભારતીય સૈનિક શહીદ થયો કે ન તો કોઈ ગંભીર રીતે ઘાયલ થયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદનથી સ્પષ્ટ છે કે, આ વખતે સ્થિતિ ભારતીય સેનાના નિયંત્રણમાં હતી. જ્યારે ગાલવાન હુમલા વખતે પરિસ્થિતિ ભારતીય સેનાની તરફેણમાં ઓછી અને ચીની તરફેણમાં વધુ હતી. પરિણામે તે સમયે ભારતે નુકસાન સહન કરવું પડ્યું હતું.


તવાંગ અથડામણ બાદ ભારતીય વાયુસેનાની સિંહ ગર્જના


તવાંગ અથડામણ બાદ ભારતીય વાયુસેના અને સેના એલએસી સહિત અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં એલર્ટ મોડ પર છે. બંને તરફથી સતત હવાઈ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જેનો સ્પષ્ટ અર્થ સ્પષ્ટ છે કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.