અરુણાચલપ્રદેશઃ રાજ્યના જંગલમાંથી ગુમ થયેલા પાંચ યુવકોને આજે ચીનના સૈન્યએ ભારતીય સૈન્યને સોંપ્યા હતા. અરુણાચલપ્રદેશના કિબિથૂ બીપીએમ હટ પર ચીની સૈન્યએ આ પાંચ યુવકોને ભારતીય સૈન્યને સોંપ્યા હતા. ભારત પાછા ફરવા પર પાંચેય યુવકોને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ પાંચેય યુવક એક સપ્તાહ અગાઉ અરુણાચલપ્રદેશના જંગલોમાં શિકાર કરતા સમયે ચીનની સરહદમાં ભૂલથી દાખલ થઇ ગયા હતા.



સંરક્ષણ મંત્રાલયના તેજપુર (આસામ) સ્થિત પ્રવક્તા કર્નલ હર્ષવર્ધને કહ્યું કે, શનિવારે સવારે સાડા નવ વાગ્યે આ પાંચ યુવકોને ભારતીય સૈન્યને સોંપાયા હતા. કોરોના પ્રોટોકોલ અનુસાર આ પાંચ યુવકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરાયા છે. બાદમાં તેમના પરિવારોને સોંપવામાં આવશે.

કર્નલ હર્ષવર્ધને કહ્યું કે, અરુણાચલ પ્રદેશના જંગલોમાં યુવકો અનેકવાર શિકાર કરવા અથવા તો જડીબૂટ્ટી શોધવા માટે અનેક દિવસો માટે નીકળી જાય છે. પણ ઘણીવાર તો આ લોકો ચીનના સરહદમાં ઘૂસી જાય છે કારણ કે ભારત ચીન સરહદ પર કોઇ પ્રકારના તાર લગાવ્યા નથી.

નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં આ પાંચ યુવકો અરુણાચલ પ્રદેશના અપર-સુબાનસરી જિલ્લાના જંગલોમાંથી ગુમ થયા હતા. પરિવારજનોએ ચીની સૈન્ય પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક નેતાઓએ સૈન્ય અને સરકાર પાસે યુવકોને પાછા લાવવા માટે મદદ માંગી હતી. બાદમાં આઠ સપ્ટેમ્બરે ભારતીય સૈન્યએ ચીનના સૈન્ય સાથે હોટલાઇન પર સંપર્ક કર્યો હતો.