નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. શનિવારે તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલ નહીં.' પ્રધાનમંત્રી મોદીએ દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરીનો મંત્ર પણ ન ભૂલવાની સલાહ આપી છે.


પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહેતો આવ્યો છું, જરૂર યાદ રાખો. મારી વાત તમે પણ માનશો. જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં. દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી આ મંત્રને ભૂલવાનો નથી. તમારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનીને તૈયાર થયેલા ઘરોનું ઉદ્ઘાટન કરતી વખતે લોકોને કોરોનાથી સતર્ક રહેવાની સલાહ આપી હતી.

તેમણે દેશવાસીઓને દવાની વાત કરીને સંદેશ આપ્યો કે, જ્યાં સુધી રસી ન આવી જાય ત્યાં સુધી લોકોએ વધારે સાવધાની રાખવી જોઈએ. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત બનેલા ઘરોના ગૃહ પ્રવેશ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે તેમણે આ વાત કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડ 97,570 કેસ નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.

આઈસીએમઆર મુજબ, 11 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું હતુ. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18થી 44 વર્ષના લોકોના છે, પરંતુ મૃતકોમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના છે.