નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે ચીનના વિદેશ મંત્રી Wang Yi સાથે મુલાકાત કરી હતી. દરમિયાન બંન્ને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. એસ જયશંકરે કાશ્મીર અંગે Wang Yiના નિવેદન સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.






એસ. જયશંકરે કહ્યું, “મેં ચીનના વિદેશ મંત્રીને જણાવ્યું કે કાશ્મીર પર તેમનું નિવેદન કેમ વાંધાજનક છે. ચીને ભારતને લઈને સ્વતંત્ર નીતિ રાખવી જોઈએ અને કોઈ દેશ કે મુદ્દાના પ્રભાવમાં ન આવવું જોઈએ. અમે લગભગ 3 કલાક ચર્ચા કરી હતી. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીના પરિણામે ખરાબ થયા છે.


જયશંકરે કહ્યું હતું કે હું વર્તમાન પરિસ્થિતિને 'વર્ક ઇન પ્રોગ્રેસ' કહીશ. જોકે તે ધીમી ગતિએ થઈ રહ્યું છે. તેને આગળ લઈ જવાની જરૂર છે કારણ કે એલએસી પર જરૂરી છે.  તેમણે કહ્યું, "યુક્રેન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.


ચીનના વિદેશ મંત્રીની મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જયશંકર સાથેની વાતચીત પહેલા વાંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.  હાલમાં સંવેદનશીલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની બંન્ને તરફ લગભગ 50,000 થી 60,000 સૈનિકો તૈનાત છે.