નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની અસર દેશમાં સતત વધી રહી છે અને આ વચ્ચે ચીનથી આવેલ રેપિડ ટેસ્ટ કિટ પણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. અનેક રાજ્ય સરકારોએ તેની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યા છે તો હવે હરિયાણા સરકારે તેની કિંમતને લઇને મોટો નિર્ણય લીધો છે. હરિયાણામાં ચીની કંપનીને આપેલો 1 લાખ રેપિડ કિટનો ઓર્ડર રદ કરી દીધો છે અને હવે તે સાઉથ કોરિયાની કંપની પાસેથી લેવાનો નિર્ણય લીધો છે.


હરિયાણા સરકારના સૂત્રોએ જણાવ્યું કે ચીનથી જે રેપિટ ટેસ્ટ કિટ આવી રહી છે તેની કિંમત 780 રૂપિયા પ્રતિ કિટ પડી રહી હતી. પરંતુ આ કિંમત હરિયાણાના માનેસરમાં આવેલી સાઉથ કોરિયાની કંપનીની બ્રાન્ચથી લગભગ બે ગણી છે. સાઉથ કોરિયાની કંપની ફક્ત 380 રૂપિયા પ્રતિ કિટની કિંમતે આપી રહી છે. એવામાં હવે આ કંપની પાસેથી કિટ લેવાનો નિર્ણય લીધો છે જેના કારણે સરકારના કુલ 4 કરોડ રૂપિયા બચશે.

રાજ્ય સરકારમાં મંત્રી અનિલ વિજનું કહેવું છે કે અમે ચીનથી રેપિડ કિટ મંગાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે ખૂબ વધારે કિંમતમાં મળી રહી હતી. જેથી અમે ચીની કંપનીનો ઓર્ડર રદ કરી દીધો છે અને સાઉથ કોરિયાની કંપની પાસેથી કિટ લેવાનો નિર્ણય લીધો છે. 25 હજાર કિટ અમને મળી પણ ચૂકી છે.


નોંધનીય છે કે હરિયાણાના માનેસરમાં સાઉથ કોરિયાની કંપની દ્ધારા બનાવવામાં આવતી રેપિડ કિટને ICMRએ મંજૂરી આપી દીધી છે. કંપનીએ દાવો કર્યો હતો કે તે એક મહિનામાં 10 મિલિયન કિટ બનાવી શકે છે.