નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી દેશભરમાં સિનેમાઘર છેલ્લા ચાર મહિના કરતા વધારે સમયથી બંધ છે. જેના કારમે અનેક મોટી ફિલ્મોએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ કારણે સિનેમાઘરો દ્વારા પરિવાર ચલાવતા લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રલાયને ઓગસ્ટમાં સિનેમાઘર ખોલવાની વિનંતી કરી છે.


સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ સીઆઈઆઈ મીડિયા સમિતિ સાથે શુક્રવાર વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લા તેના પર અંતિમ ફેંસલો લેશે. ખરેએ કહ્યું, તેમણે 1 ઓગસ્ટ કે 31 ઓગસ્ટ આસપાસ સિનેમાઘરને ફરીથી ખોલવાની ભલામણ કરી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ અને પ્રથમ રૉમાં અલ્ટરનેટ સીટ તથા આગલી રૉ ખાલી રાખવાની ફોર્મુલા પણ આપી છે.



આ અંગે PVR સિનેમાના સીઈઓ જી દત્તાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, અમે સેનિટાઈઝેશન અને માસ્ક જેવી મૂળભૂત બાબતોની ખાતરી કરી રહ્યા છીએ. કાગળ ટિકિટનો ઉપયોગ નહીં કરવામાં આવે. લોકોની ભીડ ન થાય તે માટે એન્ટ્રી, એક્ઝિટ અને ઈન્ટરમિશનનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં સોની, મેડિસન, ડિસ્કવરી, અમેઝોન પ્રાઇમ, બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ, સ્ટાર પ્લસ ડિઝનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.