CBSE બાદ CISCE એ પણ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરી છે. 12માં બોર્ડની પરીક્ષાઓ પર ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે સીબીએસઈ હવે 12 મા ધોરણના વિદ્યાર્થીઓના પરીણામ તૈયાર કરવા માટે તૈયારીઓ કરશે. સીબીએસઇ અને સીઆઈએસસીઇ 12ના  પરિણામ પારદર્શક વૈકલ્પિક સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ તેમના આંતરિક મૂલ્યાંકન પરિણામોથી સંતુષ્ટ ન હોય તેમને સીબીએસઇ તરફથી પરિસ્થિતિ સામાન્ય થયા બાદમાં પરીક્ષામાં ભાગ લેવા માટે તક આપવામાં આવશે.



જણાવી દઈએ કે સીઆઈએસસીઇએ આઈએસસી (વર્ગ 12) ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. અનેક સંસ્થાઓ માંગ કરી રહી હતી કે પરીક્ષાઓ રદ કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી, જેની સુનાવણી આ ગુરુવારે થવાની હતી.


કેન્દ્ર સરકાર દ્વારા 12 મી પરીક્ષાઓ રદ થયા બાદ સીબીએસઈના 12 લાખ વિદ્યાર્થીઓ અને 4 લાખ સીઆઈએસસીઇ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તે જ સમયે, અન્ય રાજ્યોના બોર્ડ પણ આ નિર્ણયને અનુસરીને પરીક્ષાઓ રદ કરી શકે છે. જો કે, રાજ્યોએ સરકારના આ નિર્ણયને સ્વીકારવાની જરૂર રહેશે નહીં. રાજ્ય બોર્ડ 12 મી પરીક્ષાઓ લઈ શકે છે અથવા જો તેઓ ઇચ્છે તો તેઓ આંતરિક મૂલ્યાંકનના આધારે ધોરણ 12  પરિણામ જાહેર કરી શકે છે. જો અન્ય રાજ્યો પણ તેમની 12 મી પરીક્ષાઓ રદ કરે છે, તો તેનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી થઈ શકે છે.