નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન શિવસેનાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. શિવસેના સાંસદ સંજય રાઉતે ગુહ મંત્રી અમિત શાહ તરફ ઇશારો કરતા કહ્યું કે અમને દેશભક્તિના પાઠ ન ભણાવે, જે સ્કૂલમાં તમે ભણી રહ્યા છો તે સ્કૂલના અમે હેડ માસ્ટર છીએ.

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, કૉંગ્રેસ એક એવી સાંપ્રદાયિક પાર્ટી છે જે કેરળના મુસ્લીમ લીગ સાથે ગઠબંધનમાં છે અને મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનમાં છે. અમિત શાહના આ નિવેદન બાદ શિવસેના સમસમી ગઈ હતી. આજે જ્યારે રાજ્યસભામાં ગૃહમંત્રીએ બિલ રજુ કર્યું અને બિલ રજુ કર્યા બાદ ચર્ચા શરૂ થઈ ત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.


સંજય રાઉતે કહ્યું કે, એવું કહેવામાં આવ્યું છે કે જે આ બિલના વિરોધમાં છે તે દેશદ્રોહી છે. સાથે એ પણ કહેવામાં આવ્યું કે બિલનો વિરોધ કરનાર પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છે. તો શું આ પાકિસ્તાનની એસેમ્બલી છે. દેશના વિવિધ ભાગમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્રિપુરામાં આસામ અને નોર્થ ઈસ્ટના તમામ રાજ્યમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે.

તેમણે કહ્યું કોઈની પાસેથી અમને દેશભક્તિના પ્રમાણપત્ર નરૂર નથી. કારણ કે તમે જે સ્કૂલના વિદ્યાર્થી છો તે સ્કૂલના હેડ માસ્ટર અમે છે અને અમારા સ્કૂલના હેડમાસ્ટર બાલા સાહેબ ઠાકરે, અટલજી અને શ્યામા પ્રસાદ મુખર્જી હતા. હું તેમને માનું છું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી રાત્રે અમિત શાહે લોકસભામાં લાંબી ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવી દીધુ હતુ, ભારે હંગામો અને મતવિભાજન બાદ આ બિલના સમર્થનમાં 311 મત પડ્યા, જ્યારે વિરોધમાં 80 સાંસદોએ મતદાન કર્યુ હતુ. એટલે બિ આસાનીથી પાસ થઇ ગયુ હતુ.

બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.