નવી દિલ્હીઃ ઇસરોએ આજે શક્તિશાળી રડાર ઇમેજિંગ સેટેલાઇટ રીસેટ--2BR1નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી સરળ થઇ જશે. આ સેટેલાઇટ રાતના અંધારામાં અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલું જ નહી આ લોન્ચિંગની સાથે ઇસરોના નામે વધુ એક રેકોર્ડ બની ગયો છે. ઇસરોએ 20 વર્ષોમાં 33 દેશોના 319 ઉપગ્રહ લોન્ચ કર્યા છે. 1999થી લઇને અત્યાર સુધી ઇસરોએ કુલ 310 વિદેશી સેટેલાઇટ્સ અવકાશમાં સ્થાપિત કર્યા છે. આજના 9 ઉપગ્રહોને ઉમેરી દઇએ તો આ સંખ્યા 319ની થઇ ગઇ છે.


કોમર્શિયલ લોન્ચિંગને લઇને ઇસરોની ક્ષમતામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. સૌ પ્રથમ કોમર્શિયલ લોન્ચ 26મે 1999ના રોજ પીએએસએલવી-સી2થી કર્યું હતું. આ લોન્ચિંગમાં જર્મની અને સાઉથ કોરિયાના એક-એક સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. 90ના દાયકામાં બે વિદેશી ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. બાદના એક દાયકામાં એટલે કે 2010 સુધી ઇસરોએ 20 વિદેશી ઉપગ્રહ લોન્ચ કર્યા છે. ત્યારબાદ 2010થી અત્યાર સુધી 397 વિદેશી ઉપગ્રહ લોન્ચ કર્યા છે.


ઇસરોએ છેલ્લા ત્રણ વર્ષમાં કોમર્શિયલ લોન્ચિંગથી લગભગ 6289 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં જૂલાઇ મહિનામાં આવી હતી.