નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના  પાંચ જજોની બંધારણ પીઠે બુધવારે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. હવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ઓફિસ માહિતીના અધિકાર એટલે કે આરટીઆઇ હેઠળ આવશે. સુપ્રીમ કોર્ટે તેમાં કેટલાક નિયમો જાહેર કર્યા છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે સીજેઆઇ ઓફિસ એક પબ્લિક ઓથોરિટી છે જે હેઠળ તે આરટીઆઇ હેઠળ આવશે. જોકે, આ દરમિયાન ઓફિસની ગુપ્તતા જળવાઇ રહેશે.


ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.ખન્ના, જસ્ટિસ ગુપ્તા, જસ્ટિસ ડિવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ રમન્નાની ખંડપીઠે બુધવારે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બંધારણના આર્ટિકલ 124 હેઠળ આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટ દ્ધારા 2010માં આપવામાં આવેલા ચુકાદાને યોગ્ય માન્યો છે. જસ્ટિસ રાજીવ ખન્ના દ્ધારા લખેલા ચુકાદા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ દીપક ગુપ્તાએ સહમતિ વ્યક્ત કરી છે. જોકે, જસ્ટિસ રમન્ના અને જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કેટલાક મુદ્દા પર પોતાનો અલગ મત વ્યક્ત કર્યો છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે કોલેજિયમના ચુકાદાઓને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે. નિર્ણય વાંચતા જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, આરટીઆઇનો ઉપયોગ જાસૂસીના સાધન તરીકે કરવામાં આવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ નિર્ણયથી એ મજબૂત થશે કે કાયદાથી ઉપર કોઇ નથી. સુપ્રીમ કોર્ટના જજ પણ નહીં.