ચંદીગઢ:  પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી ભગવંત માને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. હરપાલ ચીમાને પંજાબના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન શિક્ષણને લઈને મોટા વચનો આપ્યા હતા. સીએમ માને આ વચનો પૂરા કરવાની જવાબદારી ગુરમીત સિંહ મીત હાયરને સોંપી છે.


AAP એ શિક્ષણ ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ સુધારો કરવાનું વચન આપ્યું છે. ડો.વિજય સિંઘલાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. હરજોત એસ બેન્સ કાયદા અને પર્યટન મંત્રી હશે. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ડૉ.બલજીત કૌર પાસે ગયું છે.


આમ આદમી પાર્ટીની સરકારમાં હરભજન સિંહ  ઉર્જા મંત્રી હશે. લાલ ચંદને અન્ન અને પુરવઠા વિભાગ આપવામાં આવ્યો છે. કુલદીપ સિંહ ધાલીવાલ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી હશે. લાલજીત સિંહ ભુલ્લરને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે.  બ્રમ શંકર પાસે પાણીની સાથે આપદા મંત્રાલય પણ હશે.


શનિવારે આમ આદમી પાર્ટીના દસ ધારાસભ્યોએ પંજાબના મંત્રી તરીકે શપથ લીધા. તેમાં હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડૉ. વિજય સિંગલા, લાલ ચંદ, ગુરમીત સિંહ મીત હેયર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર, હરજોત સિંહ બૅન્સ અને ડૉ. બલજીત કૌરનો સમાવેશ થાય છે. આ પહેલા ભગવંત માને સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ હવે આ જીત માટે મહેનત કરનાર નેતાઓને પ્રમોટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પંજાબના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા અને પંજાબમાં આપની જીતના માસ્ટરમાઈંડ ગણાતા IITના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકને રાજ્યસભાના સાંસદ બનાવવા જઈ રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ આજે જાહેરાત કરી છે કે, ડૉ. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવી રહી છે.