નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે દિલ્હીમાં બેઠકો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રી મોદીને માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના એમડી કિન્ચી આયુકાવા, પીઆઈ ઇન્ડસ્ટ્રીના એમડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના સીઈઓ દીપક શેટ્ટી, અર્બન કંપનીના સીઈઓ અભિરાજ સિંહ ભાલ, ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર એમડી અજય શર્મા તેમજ ઓયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.
મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નું પણ આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.