નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ 2010ના ફોર્મેટ પર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) લાગુ કરવાની હિમાયત કરી છે. તેને લઈને જગનમોહન રેડ્ડી આગામી વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એનપીઆરમાં કેટલાક સવાલ એવા પણ છે જેને લઈને રાજ્યના લઘુમતીઓા મનમાં અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે.

જગનમોહન રેડ્ડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ એનપીઆરમાં પ્રસ્તાવિત કેટલાક પ્રશ્ન મારા રાજ્યના લઘુમતીઓના મનમાં અસુરક્ષાનું કારણ બની રહ્યાં છે. અમારી પાર્ટીમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અમે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે, તે 2010ના ફોર્મેટને લાગુ કરે.” આ સાથે તેમણે જાહેરાત પણ કરી છે કે , તેઓ આગામી વિધાનસભા સત્રમાં એક પ્રસ્તાવ પણ લાવશે.


ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં એનપીઆર 2010ની ફોર્મેટ પર લાગુ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. હવે આંધ્રપ્રદેશના સીએમ તેને લઈને પ્રસ્વાવ લાવવાની તૈયારીમાં છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક પણ કહી ચુક્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ જેવું ઈચ્છે છે તેવા ફોર્મેટમાં એનપીઆર મહારાષ્ટ્રમાં લાગુ થવા નહીં દઈએ.